Friday, November 13, 2009

હિન્દુસ્તાની



કુછ બાત હૈ કી હસ્તિ મિટતી નહિ હમારી...
સદિયોં સે રહા હૈ દુશ્મન , દૌરે-જહાં હમારા
મને યાદ છે ત્યાં સુધી શાયદ ૧૯૯૨ ની સાલ હશે, બાબરી ધ્વંશ પછી સમગ્ર દેશ કોમી તોફાનોની આગમાં સળગી રહ્યો હતો, અમદાવાદમાં ઠેર ઠેર બનેલા સ્ટેબિંગ ના બનાવોને કારણે સતત સાત દિવસ થી સીટી એરિયામાં જડબેસલાક કરફ્યુ હતો, રોજ રોજ કમાઈને ખાનાર ને ઘર ચલાવવાના ફાંફા પડી ગયા હતા , તસ્બીહના મોતીની જેમ વર્ષો થી સાથે રેહતા હિંદુ-મુસ્લિમો એક બીજાના ખૂન ના પ્યાસા બની ગયા હતા. બંને કોમના ખૂની દરીન્દાઓ એક-બીજાનો હિસાબ ચૂકતે કરી દેવા માટે કે એકલદોકલ રાહદારી ઉપર સ્ટેબિંગ કરવા માટે અસ્ત્રાઓ ચમકાવી રહ્યા હતા , અમારે ત્યાં અઠવાડિયા બાદ લગ્નપ્રસંગ હતો, કોમી તોફાનોને લીધે લગ્નપ્રસંગ નો હવે કોઈ ઉત્સાહ ન હતો , નિકાહમાં પહેરવા માટેના ઘરના બધા પુરુષોના ઝભ્ભા લેંઘા કાલુપુર ટાવર પાસે આવેલી કુંભાર ગલીમાં ઊંચા ઓટલા પર આવેલી નાનકડી દુકાન (રાજેશ ટેલર) માં સીવવા આપેલા હતા, સતત સાત દિવસ થી સીટી એરિયામાં લાદેલો જડબેસલાક કરફ્યુ ત્રણેક કલાક માટે હળવો કરવામાં આવ્યો ત્યાં મારા પપ્પાએ મને કહ્યું " બેટા , રાજેશ ટેલરમાં સીવવા આપેલા આપણાં ત્રણે જણના ૩-૩ લેંઘા માસ્ટરના ઘરે ઇન્ડિયા કોલોની, બાપુનગર જઈને લઇ આવું ? હું અને ઘરમાં બધા તાડૂક્યા : " અબ્બા શાદીમે જો પહનના હોગા વો પહેનેગે , વહાં હિંદુ એરિયે મેં મરને જાના હય ક્યા" ? "ત્યાં ક્યાં કરફ્યુ છે ?" કહીને કોઈનું સાંભળ્યા વગર સતત સાત દિવસ થી જડબેસલાક કરફ્યુથી કંટાળેલા મારા પપ્પા સ્કુટર ને કિક મારી અમારા ફેમિલીના ટેલર કે જે હિંદુ હતા એમના ઘરે સીવવા આપેલા લેંઘા લેવા કાલુપુરથી બાપુનગર એકલા નીકળી પડ્યા , મને ધ્રાસકો પડ્યો કે પપ્પા કરફ્યુમુક્તિ ના સમય બે વાગ્યા પેહલા સહી સલામત પાછા તો આવી જશે ને ? અમારી પોળનાં મેઈન ગેટ ના મોટા લાકડાના દરવાજા સતત બંધ રાખતા હતા, એકલદોકલ માણસોને આવવા -જવા માટે એક નાની બારી હતી તેમાંથી ઉચાટ જીવે ઉંચો-નીચો થતો હું પપ્પાના આવવાની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો , બરાબર પોણા બે વાગે પપ્પાનું બજાજ સુપર પોળનાં નાકે આવ્યું અને મેં ઝટપટ પોળનાં મેઈન ગેટની સાંકળ ખોલી તેમને અંદર લીધા , કરફ્યુમુક્તિ નો સમય પૂરો થવાની ચેતવણી આપતી પોલીસની જીપો બહાર ઘૂમી રહી હતી , પપ્પા ઘર પાસે સ્કુટર મૂકી ખિસ્સામાંથી ૩૧૫/- રૂપિયા કાઢી મને આપ્યા અને અમારી પોળની જ ૩ નંબરની ગલીમાં રેહતા અને છૂટક ટેલરીંગ કામ કરતા વયોવૃદ્ધ કાદર ચાચાને આપી આવવાનું કહ્યું , ચાચાને પૈસા આપીને હું પરત આવ્યો અને પૂછ્યું કે શેના પૈસા તેમને આપ્યા ? ત્યારે પપ્પાએ કીધું કે આપણાં ૯ લેંઘાની સિલાઈના ૩૧૫/- રૂપિયા જયારે મેં માસ્ટરના ઘરે ઇન્ડિયા કોલોની, બાપુનગર ચૂકવ્યા ત્યારે એ રકમ એમણે મારા હાથમાં પરત આપીને કહ્યું કે : "મેહમુદભાઈ તમારી પોળની જ ૩ નંબરની ગલીમાં રેહતા અને છૂટક ટેલરીંગ કામ કરતા વયોવૃદ્ધ કાદર ચાચા પાસે હું ટેલરીંગ કામ શીખ્યો છું તેમને કોઈ સંતાન નથી અને હાલ તેમની પરિસ્થિતિ ખુબજ કફોડી હશે તે ખુદ્દાર માણસ કોઈની પાસે હાથ લંબાવશે નહિ, આપ મારા તરફથી આ રકમ તેમને પહોચતી કરશો તો મહેરબાની થશે " પપ્પાના મોઢેથી હું આ સાંભળી અવાક થઇ ગયો , હવે મને ખબર પડી કે કયું પરિબળ આમ હિન્દુસ્તાનીઓને પણ ગમે તેવી આફતોમાં પણ અડીખમ અને એક બીજાથી જોડેલા રાખે છે, જ્યાં એક બાજુ એક મહિનાથી હિંદુ-મુસ્લિમ બંને કોમના નાદાન લોકો હરામખોર નેતાઓના હાથા બની એક બીજાના ખૂન થી હોળી રમી રહ્યા છે ત્યારે એક સામાન્ય હિંદુ દરજી , કે જેની પોતાની મુસ્લિમ એરિયામાં આવેલી ટેલરીંગ ની દુકાન તોફાનોને લીધે મહિનાથી બંધ છે અને તેની પોતાની રોજીંદી આવક બંધ છે, તેમ છતાં તે પોતાને દરજીકામ શીખવાડનાર પોતાના મુસ્લિમ ઉસ્તાદ ના પરિવારની ચિંતામાં સાચા દિલથી બૈચેન છે...અદભૂત.. આવું પૂરી દુનિયામાં માત્ર આપણાં દેશમાં જ શક્ય છે ... અને મારા હોઠો પર ડો. "અલ્લામા" ઇકબાલ ની આ પંક્તિઓ આવી ગઈ..
કુછ બાત હૈ કી હસ્તિ મિટતી નહિ હમારી...
સદિયોં સે રહા હૈ દુશ્મન , દૌરે- જહાં હમારા ...
હમ બુલબુલે હૈ ઇસકી , યે ગુલસિતાં હમારા
મસ્જીદમાં અઝાન થઇ અને મેં નમાઝ બાદ સૌથી પેહલા કામ તરીકે તે હિંદુ દરજીના હકમાં દુવા માંગવાના નિર્ધાર સાથે મસ્જીદ તરફ જવા માટે કદમ ઉપાડ્યા.